- BYA NEWS : સુરત શહેરના મહિધરપુરા વિસ્તારમાં આવેલા ખાનગી ટ્યુશનના શિક્ષક દ્વારા અભ્યાસ અર્થે આવતી વિદ્યાર્થીની જોડે બીભત્સ ચેનચાળા કરી શારીરિક છેડતી કરતા ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપી શિક્ષક વિરુદ્ધ છેડતી અને પોકસો એકટ હેઠળ વિવિધ કલમો લગાવી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.જ્યારે સગીર વયની વિદ્યાર્થીનીનું પણ મનોચિકિત્સક પાસે કાઉન્સિલીંગ કરાવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
- સુરતના મહિધરપુરા પોલીસ મથકની હદમાં આવેલા ખાનગી ટ્યુશનના શિક્ષક સામે ગંભીર આરોપ થયા છે. શિક્ષક ટ્યુશને આવતી સગીર વયની વિધાર્થીની જોડે બીભત્સ ચેનચાળા કરી શારીરિક છેડતી કરતો હોવાનો આક્ષેપ વિદ્યાર્થિનીની માતા દ્વારા કરવામાં આવ્યા છે. જ્યાં સમગ્ર મામલો મહિધરપુરા પોલીસ મથકે પોહચતા પોલીસે છેડતીખોર શિક્ષકની ધરપકડ કરી છે. સુરત ડીસીપી પીનાકિન પરમારના જણાવ્યાનુસાર,પોલીસ મથક હદ વિસ્તારમાં શીશાંશ ઓઝા ખાનગી ટ્યુશન ચલાવે છે. જે ટ્યુશનમાં પોતે શિક્ષક તરીકે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે. જોકે પોતાના ટ્યુશનમાં આવતી સગીર વયની વિદ્યાર્થીની જોડે શિક્ષકને લજજાવે તેવું કૃત્ય કરવામાં આવ્યું છે.
- આરોપીએ પોતાના ટ્યુશનમાં આવતી સગીર વયની વિદ્યાર્થીનીને બાજુના રૂમમાં લઈ જાય બીભત્સ ચેનચાળા કરી શારીરિક છેડતી કરી હતી. ત્યારબાદ આ બાબતની અન્ય કોઈને નહિ કરવા ધમકી આપી હતી. ટ્યુશનેથી પરત ફરેલી સગીરાએ સમગ્ર હકીકત માતાને જણાવી હતી. જે સાંભળી માતાના પગ તળેથી જમીન સરકી પડી હતી. માતાએ તાત્કાલિક ધોરણે આ મામલે મહીધરપુરા પોલીસનો સંપર્ક કર્યો હતો. સગીરાએ જણાવેલી સમગ્ર હકીકત બાદ મહિધરપુરા પોલીસ દ્વારા માતાની ફરિયાદ લઈ શિક્ષક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે બાદ છેડતીખોર શિક્ષક શીશાંસ ઓઝાની મહિધરપુરા પોલીસે ધરપકડ કરી હતી.
- આરોપી શિક્ષક દ્વારા ટ્યુશને આવતી અન્ય વિદ્યાર્થીનીઓ જોડે પણ આ પ્રકારનું કોઈ કૃત્ય કર્યું છે કે કેમ તે માટેની તપાસ કરવા આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. જ્યારે છેડતીનો ભોગ બનેલી સગીરાનું પણ કાઉન્સિલિંગ કરી મનોજ ચિકિત્સક પાસે સારવાર કરાવવા અંગેની તજવીજ હાથ ધરવામાં આવી છે.