પૂર્વ કલેક્ટરે(Collector) 2000 કરોડનું જમીન કૌભાંડ કર્યું હોવાનો કોંગ્રેસ(Congress)નો આક્ષેપ
કેન્દ્ર સરકાર સુધી હવે આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે. ત્યારે કોના ઇશારે ગણોત્યાનું નામ દાખલ કરવામાં આવ્યું અને આની પાછળ કયા રાજનેતાનો ખેલ છે, તે મામલે SITની રચના કરી તપાસ કરવાની માંગ કોંગ્રેસ(Congress) નેતા દ્વારા કરવામાં આવી છે
(પ્રતિનિધિ, ભારત યુવા અભિયાન)
સુરત : ડુમસ વિસ્તારની સરકારી જમીન કલેક્ટર(Collector) દ્વારા ખોટી રીતે આદેશ કરીને ગણોતિયાના નામે ચડાવી દેવાના આક્ષેપો વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા છે. જેને લઈને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સુધી હવે આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે. ત્યારે કોના ઇશારે ગણોત્યાનું નામ દાખલ કરવામાં આવ્યું અને આની પાછળ કયા રાજનેતાનો ખેલ છે, તે મામલે SITની રચના કરી તપાસ કરવાની માંગ કોંગ્રેસ(Congress) નેતા દ્વારા કરવામાં આવી છે. વિપક્ષ નેતાના આક્ષેપોને લઈ આ મોટો ભ્રષ્ટાચાર હોવાથી તપાસનો વિષય બન્યો છે. કાયદાકીય રીતે પૂર્વ કલેકટર દ્વારા જે જમીન સરકારી હોવાનું કહેવાયું હતું, તે જમીનમાં રાતોરાત ગણોતિયાનું નામ દાખલ કરીને કેવી રીતે ખેલ પાડી દેવામાં આવ્યો છે, તેને લઈને અનેક શંકાઓ ઊભી થઈ રહી છે. ત્યારે જો આ મામલે તપાસ કરવામાં આવે તો સમગ્ર હકીકત બહાર આવશે. ડુમસ વિસ્તારની 2.17 લાખ ચોરસ મીટર જમીન ગણતીયાનું નામ દાખલ કરાવીને બે હજાર કરોડ રૂપિયાનો ખેલ પાડી દેવાનો આક્ષેપ કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી દ્વારા કરવામાં આવ્યો છે. પોતાના અંગત બિલ્ડરને લાભ કરાવવા માટે રાજકીય દબાણ હેઠળ જમીન ગણોતિયાનું નામ દાખલ કરાવી દેવામાં આવ્યું છે કે કેમ? તેને લઈને મોટો પ્રશ્ન સર્જાઇ રહ્યો છે. રાજ્ય સરકાર સુધી આ સમગ્ર મામલો પહોંચ્યો છે. જેથી ત્યાંથી પણ તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે, જે જમીનમાં વર્ષોથી ગણોતિયા ન હતા તે જમીનમાં એકાએક આ ગણોતિયા ઉભા કરવામાં આવ્યા છે. એથી પણ વધુ ગંભીર બાબત એ છે કે, સુરતના પૂર્વ કલેકટર રાજેન્દ્રકુમાર દ્વારા આ જમીન સરકારી હોવાનું સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. તો આ સરકારી જમીન બદલી થવાના એક દિવસ પહેલા જ તે સમયે સુરતના કલેક્ટર રહેલા આયુષ ઓક દ્વારા ગણોતિયાનું નામ દાખલ કરવા માટેનો આદેશ કેવી રીતે અપાયો છે. અંદાજે 2.17 લાખ ચોરસ મીટર જમીન ખાનગી વ્યક્તિના નામ પર ચડાવી દઈને 2000 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ સમગ્ર મામલે SITની રચના થવી જોઈએ. સરકારને જે કોઈ હજારો કરોડનું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે, તેની પણ તપાસ કરવામાં આવે.