ગુજરાતમાં નેતાઓના બાંધકામો પર હથોડો ક્યારે ? જવાબદાર ફક્ત અધિકારીઓ જ નેતાઓ નહીં ?
આપણે સૌ જાણીએ છીએ તેમ સમગ્ર ગુજરાતમાં અલગ અલગ શહેરો માં દર વખતે નવા નવા ફોર્મેટ માં કાંડ બને ત્યારે પ્રજા તંત્ર પર ફટકાર વરસાવે સરવાળે સરકાર કથિત કાર્યવાહી બતાવી વાહવાહી લૂંટી આફત ને અવસર માં બદલવાના કામે જોતરાઈ જાય છે ત્યારે અહી સવાલ એ થાય છે કે કોઈપણ દુર્ઘટના ઘટી જાય પછી આખા ગુજરાત ને બાન માં લઇ સરકાર પ્રજા સાથે દ્રોહ તો નથી કરી રહી ને!
કોઈપણ વ્યવસાય શરૂ કરવા માટે ચોક્કસ નિયમો ઘડેલા હોય છે અને એ નિયમો મુજબ કામગીરી કરાવવાની જવાબદારી તંત્રની છે એ પણ સાચું, પરંતુ શું તંત્ર ની સત્તા પર બિરાજમાન અધિકારીઓ ને પૂરતી સત્તા છે ખરી કે એ કોઈપણ વ્યવસાય કોઈપણ સરકારી પુરાવા કે જરૂરી પ્રક્રિયા પૂર્ણ કર્યા વગર પરવાનગી ના આપે. આપણે ત્યાં મોટા ભાગના વ્યવસાયો સત્તા પક્ષ કે વિપક્ષ ના પદાધિકારીઓ, હોદ્દેદારો, આગેવાનો કે, કાર્યકર્તાઓના હોય છે અને એ વ્યવસાય શરૂ કરવા બાંધકામ પરવાનગી, બાંધકામ વપરાશ કરવા માટે બીયુસી, ફાયર એનઓસી, ગુમાસ્તો, આરોગ્ય નું લાયસન્સ હોય કે કોઈપણ પ્રકારની પરવાનગી વગર વ્યવસાય શરૂ કરવા માટે રાજકીય ભલામણ આવી જ જતી હોય છે અને એ ભલામણ કઈ રીતે અને કેમ આવે છે એ અહી કહેવાની જરૂર જણાતી નથી.
દાખલા તરીકે વાત કરીયે તો સુરત ના ડિંડોલી ખાતે આવેલ આઇડિયલ પબ્લિક સ્કૂલ નું બાંધકામ સદંતર ગેરકાયદેસર હોવા-છતાં ત્યાં શાળા શરૂ કરવા માટે પરવાનગી મળી ગઈ કારણકે એ શાળા ના માલિક ભારતીય જનતા પાર્ટી ના નેતા અને સુરત મહાનગર પાલિકા ના શાસક પક્ષના નેતા હતા. એજ રીતે સુરત શહેરના હાર્દસમા રીંગ રોડ પર વિવિધ પ્રકારની સુરત ટેકસટાઇલ માર્કેટ આવેલી છે જેમાં આશરે દોઢ કિલોમીટર ના દાયરા માં સાઈઠ હજાર થી વધુ થોકબંધ કાપડ ની દુકાનો આવેલી છે. એમાં એક માર્કેટ ભારતીય જનતા પાર્ટી ના અંગત મનાતા અને સુરત શહેર સંગઠન ના ઉપ પ્રમુખ ની છે જેમાં મારજીન ની જગ્યામાં 14 જેટલી દુકાનો સદંતર ગેરકાયદે ખડકી દીધેલ જેમાં અનેક જાગૃત નાગરિકો એ ફરિયાદ કરતા સુરત મહાનગર પાલિકા દ્વારા મનાઈ હુકમ 2013 માં આપેલ ત્યારબાદ પણ બાંધકામ પૂર્ણ થયું, વળી હદ તો ત્યારે થાય છે કે એ બાંધકામ 28/03/2011 પૂર્વે નું જૂનું બતાવી બતાવી ગૃડા 2011 હેઠળ નિયમિત કરવામાં આવ્યું, એજ રીતે તાજેતરમાં સુરત શહેરના એક કદાવર પૂર્વ મંત્રીશ્રી ની કથિત ભલામણ ને આધીન કતારગામ ટીપી 3 ખાતે આંવેલ ધર્મ નંદન ડાયમંડ સામે એક ભવ્ય ઇમારત નું બાંધકામ સદંતર ગેરકાયદેસર ખડકાઈ રહ્યું છે, આમાં પણ અધિકારીઓએ નોટિસ આપી દીધી છે પણ સવાલ એ છે કે, આવા પ્રકરણો માં અધિકારીઓ કાર્યવાહી કરવા માટે સ્વતંત્ર ખરા?
હવે મૂળ વાત પર આવીએ તો આવા કામો માં બીયુસી નથી મળતું, બીયુસી ના મળે એટલે અન્ય લાયસન્સ મેળવવામાં તકલીફ પડે છે સરવાળે વ્યવસાયકાર ગેરકાયદેસર શાસકો , પદાધિકારીઓ અને અધિકારીઓ ને સાચવી ને લાયસન્સ વગર વેપલો શરૂ કરી દેતા હોય છે.
એટલે ખાટલે મોટી ખોડ એટલી જ છે કે આ નેતાઓની ભલામણો બંધ થવાની નથી અને એ બંધ ના થાય ત્યાં સુધી કશું કાયદેસર થાય એ શક્ય નથી, અને એટલેજ સરકાર પણ જ્યારે જ્યારે કોઈ મોટી ઘટના ઘટે ત્યારે, મોટા મોટા બણગા ફૂકી પોતે જાણે આખી પ્રક્રિયા થી અજાણ હોય એમ આખું ગુજરાત ઘમરોળી યેનકેન પ્રકારે બધું બંધ કરાવી કાગળ પર કાર્યવાહી નોંધી ન્યાયમંદિર માં પોતાનો પક્ષ કાગળ પર મજબૂતી થી રજૂ કરી વાહવાહી લૂંટવામાં ટેવાઈ ગઈ છે.
તદુપરાંત ફરી પાછું ભલામણો ચાલુ જે સંસ્થાઓ ને સીલ મારેલ હોય એ સંસ્થાઓની ફક્ત બાહેધરી લઈ સીલ ખોલી કાઢવામાં આવે છે પછી કોઈ સુધરે ક્યાંથી!?
ઉલ્લેખનીય છે કે, કોઈપણ ઘટનાથી નુકશાન જાહેર જનતાને વધુ થાય છે ત્યારે પ્રજાએ પણ સમજવું રહ્યું કે બિન અધિકૃત કોઈપણ લાયસન્સ વગર ધમધમતી સંસ્થાઓ નો બહિષ્કાર કરવો પછી એ કોઈ ગેરકાદેસર બાંધકામ વાળી શાળા, ક્લાસિસ હોય, જીમ હોય, હોસ્પિટલ હોય, ફૂડ ઝોન હોય, કે ગેમ ઝોન હોય જ્યાં સુરક્ષાની ખાતરી કર્યાં વગર પ્રવેશ કરવાનું ટાળવું એજ સાચો ઉપાય છે. અધિકારીઓ પર રાજકીય દબાણ બંધ નહિ થાય ત્યાં સુધી કોઈપણ આફત આવે કાગળ પર કાર્યવાહી બતાવવા સારું મોટી મોટી સંસ્થાઓને સીલ મારી ખુબ મોટી કાર્યવાહી કરી હોવાનો ડોળ કરવા શિવાય કોઈ વિકલ્પ નથી એજ કડવું સત્ય છે.
કેટલાક કિસ્સામાં રાજકીય ભલામણો નો હાથો બની અધિકારીઓ પણ પોતાના હાથ કાળા કરી લેતા હોય છે સરવાળે નુકશાન નિર્દોષ જનતા ને થાય છે.
અધિકારીઓ પર રાજકીય દબાણ બંધ નહિ થાય ત્યાં સુધી કોઈપણ આફત આવે કાગળ પર કાર્યવાહી બતાવવા સારું મોટી મોટી સંસ્થાઓને સીલ મારી ખુબ મોટી કાર્યવાહી કરી હોવાનો ડોળ કરવા શિવાય કોઈ વિકલ્પ નથી એજ કડવું સત્ય છે.